વર્લ્ડ માઈનસ ફેસબુક


| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૭-૦૬-૨૦૧૨ | અધીર અમદાવાદી |  

ફેસબુક નહોતુ ત્યારે પણ દુનિયા પોતાની ધરી પર ગોળ ફરતી હતી. ફેસબુક નહિ હોય તો પણ દુનિયા ગોળ જ ફરશે. પણ ૨૦૨૦માં ફેસબુક બંધ થઈ જશે એવી આગાહી જ્યારથી કોઈ એરિક જેક્સન નામનાં કાળમુખાએ કરી છે ત્યારથી ઘણાં દુનિયા સ્થગિત થઈ જવાની હોય એમ ડરી ગયા છે. અમુક તમુક સાલમાં પૃથ્વી પર પેટ્રોલનું ટીપુંય નહીં બચ્યું હોય, કે ગ્લોબલ વોર્મિંગનાં કારણે સમુદ્રની સપાટી એટલી ઊંચી આવી જશે, કે અડધું મુંબઈ ડૂબી જશે, કે ૨૦૧૨માં પૃથ્વીનો સર્વનાશ થઈ જશે,જેવા વરતારો ઘોળીને પી જનારી આપણી પ્રજા ‘ફેસબુક બંધ થશે તો શું?’ એ વિચારે બાવરી બની ગઈ છે.
ફેસબુક ચલણમાં આવ્યું એ પછી મૅરેજ-બ્યુરોમાં કાગડા ઊડવા લાગ્યા છે એવું અમને લાગે છે. તો લગ્નમેળાઓ ફેસબુકને કારણે સુમસામ થઈ ગયાં છે. હવે લડકા લડકી ફેસબુક પર જ મળીને રાજી થઈ જાય છે એટલે કાજીએ એમનાં લગ્નના ફોટા ફેસબુક પર લાઈક કરવાના જ રહે છે. પણ એ વિચારો કે ફેસબુક પર ચોકઠાં કેમ આસાનીથી ગોઠવાઈ જાય છે? અમને લાગે છે કે રીયલ લાઇફ કરતાં કદાચ ફેસબુક પર ફિલ્ડિંગ ભરવી સહેલી પડે છે, અને પાછું આમાં તમારી ગણતરી રોડ-રોમિયોમાં નથી થતી. એટલે જેવો છોકરીનો સાચો ફોટો જોવા મળે, અથવા ખાતરી થાય કે આ જ સાચો ફોટો છે, એટલે છોકરાઓ ગરમ તેલમાં ભજિયું મૂકે એટલી સિફતથી પ્રપોઝલ મૂકી દે છે. પાછું આ ગરમ તેલના છાંટા ઊડે તો દાઝવાનો વારો આવે એવું કશું ફેસબુકમાં નથી થતું. કારણ કે બહુ બહુ તો છોકરી અન-ફ્રૅન્ડ કે બ્લૉક કરે, સેન્ડલ કે ઝાપટ તો ન પડે ને? પણ ફેસબુક બંધ થશે તો ફરી લગ્નમેળાઓ અને મેરજ-બ્યુરોનો સુવર્ણયુગ આવશે એ નક્કી છે.
અમે નોંધ્યું છે કે વૈશ્વિક મંદી અને ફેસબુકનો ઉદય એ બે લગભગ એક સાથે બન્યા છે. એમ સમજો કે મંદીથી લોકો બેકાર થયાં અને એમને ટીંગાવા માટે ફેસબુક મળ્યું. આ જોતાં ફેસબુકને અમેરિકન સરકારનું સત્તાવાર સમર્થન હોય એવું પણ બની શકે, અને એટલે જ ૨૦૨૦ની સાલમાં મંદી પૂરી થાય ત્યારે ફેસબુક બંધ કરવામાં આવતું હોય એમ બને. પણ એ જે હોય તે, ફેસબુક નહિ હોય તો ઓફિસોમાં પ્રોડક્ટીવીટી વધશે જ. જે ઓફિસોમાં હાલ ફેસબુક વાપરી શકાય છે ત્યાં તો કામકાજ એકદમ વધી જશે, આવી કંપનીઓનાં શેરમાં ઉછાળો પણ આવે એવું બને. પણ જ્યાં પહેલાં ફેસબુક પર પાબંદી હતી, ત્યાં ફેસબુક બંધ થવાથી કોઈ ફેર નહિ પડે. આમ મૅનેજમેન્ટને પહેલી વાર ફેસબુકના ફાયદા દેખાશે. જોકે ઑફિસમાં ટાઈમપાસ માટે લોકો હવે શૂન્ય ચોકડી જેવી રમતો તરફ વળશે.
ફેસબુક આજકાલ છૂટાછેડા માટે ખૂબ બદનામ છે. અનેક દેશોમાં ફેસબુક પર પાર્ટનરની બેવફાઈના પુરાવા મળવાથી લોકો છૂટાછેડા લે તેવી ઘટનાઓ બની રહી છે. ફેસબુક બંધ થવાથી આવી રીતે થતાં છૂટાછેડાનું પ્રમાણ ઘટી જશે. છૂટાછેડા માટે કારણો જલ્દી જડશે જ નહિ. કોર્ટો પણ આજકાલ ‘જોરથી નસકોરા બોલાવે છે’ કે ‘માવો ખાય છે, મોઢું ગંધાય છે’ જેવા કારણસર છૂટાછેડા આપતી નથી. આમ ‘ચટ મંગની, પટ શાદી, ને ઝટ છૂટાછેડા’ એવી પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ આપણો દેશ ધકેલાઈ રહ્યો હોય એવું અમુક લોકોને જે લાગતું હતું, તે હવે નહિ લાગે. આમ છતાં છૂટાછેડા લેવા હશે તેવાં લોકો ડીટેકટીવ એજન્સીનો સહારો લઈ શકશે. આમ દેશમાં બેકારીની સમસ્યા થોડી હળવી થશે. સરકાર પછી આખા પાનાની જાહેરાતો છપાવી બેકારીની સમસ્યા અમે હલ કરી એવો જશ પણ ખાટી શકશે.
જોકે ફેસબુક બંધ થવાથી ઘણાં આશ્ચર્યજનક પરિણામો આવશે. જેમ કે ઈન્ટરનેટનાં વપરાશમાં ધરખમ ઘટાડો થશે. કેટલાય ફેસબુકીયા કવિઓનું અકાળ નિધન થશે. તો ફેસબુક રોજ પર બે-ચાર ‘નવી રચનાઓ’ પોસ્ટ કરવાની ટેવ ધરાવતાં કવિઓ લોકોને રૂબરૂમાં પકડીને કવિતા સંભળાવશે, જેના કારણે મારામારીની ઘટનાઓમાં વધારો થશે. આ બાજુ નવરાં પતિદેવો સાંજે ફેસબુકના બદલે ટીવી પર ચોંટશે એટલે રિમોટ માટે થતી ઘરેલું હિંસાના બનાવોમાં પણ એકાએક વધારો થશે. તોયે અમુક પત્નીઓ એવી પણ આશા રાખે છે કે પતિઓ પરિવાર માટે હવે વધારે સમય ફાળવી શકશે. જોકે અમુકને એવી પણ ધાસ્તી છે કે ફેસબુક બંધ થઈ જશે તો ભારતની વસ્તીમાં ઉછાળો આવશે!
ડ-બકુ
હે  દુનિયામે ઓર ભી કામ ફેસબુક કે સિવા ..

-અધીર અમદાવાદી

About KRISHNKANT M.DAVE(JAMBUDA)

jambuda
This entry was posted in jambuda. Bookmark the permalink.

1 Response to વર્લ્ડ માઈનસ ફેસબુક

  1. કમલેશ કૂમાર says:

    Good

    Like

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.